Monday 12 June 2017

વરસ તું, આજે મન મૂકી ને વરસ,
બૂમ પાડી ને, આકાશ ફાડીને વરસ,

બૌ ગરમ થઇ છે ભૂમિ, ઠંડી પાડવા તું વરસ,
તરસ્યા આ હોઠ માટે, અમૃત બની તું વરસ,

પડ તું પ્રચંડ ગતિ એ, દરિયા ને મીઠો કરવા વરસ,
પીળાં થતા પાન ને, ફરી લીલા કરવા તું વરસ,

એકલા ચાલતા ને સંગાથ આપવા, ચાલતા ને દોડાવવા વરસ,
લોભ ની વ્યાખ્યા બદલાતી ચાલી, લોભયા ને નાથવા તું વરસ,

ઈર્ષ્યા ની સીમા ક્યાં, બળતી જ્વાળા ઠરાવવા તું વરસ,
અહંકાર માં રાવણ ને પછાડ્યો, હાથી ને નમાવવા વરસ,

ભીંજાવ તું, તરબોળ કરી નાખ, પ્રેમ ના મધુર સ્વરે વરસ,
પ્રેમ માં પડેલા પારેવાને, તારી બાથ માં લેવા તું વરસ,

આવ તું, માટી ભીની કરી દે, આ ઉકળાટ હોલવવા વરસ,
કંકાસને ગીતમાં બદલ, ઊંઘ નથી આવતી, હાલરડું બની તું વરસ,

જો તારી વાટ જગ જુવે, સાથે બેસી ગપ્પા મારવા વરસ,
ભોર થી સાંઝ, સાંઝ થી રાત, રાત થી સવાર સુધી તું વરસ,

બોલાવ પેલી વીજ ને, વાદળ ગર્જાવોને, સહસ્ત્ર ધારાએ વરસ,
થોડું અટકાવવા, સમય ને અલ્પવિરામ આપવા, તું વરસ,

વરસ તું, આજે મન મૂકી ને વરસ,
બૂમ પાડી ને, આકાશ ફાડી ને વરસ, ........................
ભૂતકાળ ના વાદળ ઘેરાયા કાળા, આભે,
થોડા પાણીએ ભીંજાયા, થોડા આંસુએ, આજે,

બારી નજીક મુકેલી મોંઘા લાકડાની ખુરશી પર,
થોડા જાગ્યા, થોડી ઠંડી ઊંઘ કાઢી, આજે,

આખો એ ઝીલી થોડી મીઠી વાછટ, ગાલે પણ ભાગ પડાવ્યો,
ખટ મીઠી સ્મુર્તી ના વંટોળ માં, વાળ ખોળાયા, આજે,

ટીપાંઓ ના રાગ માં, તાલ થોડો હાથ થી મૈં પણ આપ્યો ,
નાનપણ ના પેહલા પ્રેમે, વહાલ પાછો કર્યો મને, આજે,

ચા ની બૂમ પડી ખરી, ઘર ના કોક ખૂણે થી,
જૂની મૈત્રીની યાદગીરીજ તાજગી આપી ગઈ મને, આજે,

આળસ ની ચાદર ઓઢી, ધબકારાની લય બેસાડી એક ઢબે,
મનના બાયોસ્કોપથી, જાત ને તોફાન કરતા જોયો મૈં, આજે,

મેઘરાજ વરસતા રહ્યા, એક ધારે, વગર કોઈ તર્ક વિતર્કએ,
ભીની સાંઝ માં, વરસતી યાદ માં, જાતને મૈં પલાળી, આજે,

ગગન ના પ્રચંડ ગળગાડટ થી, પક્ષીઓ ચમક્યા જરૂર ચારે દિશાએ,
વીજળી મને પાછો લઇ આવી, થોડા અવાજે ડરાવ્યા, થોડા યાદે, આજે........